ઊંડે ગયો
એક મોતી શોધવા હું સાગરે ઊંડે ગયો,
છીપ ખોલી તો હસીને, ભીતરે ઊંડે ગયો.
કાંઠડે બેઠેલ સૌ મોજાં ગણી ભૂલી ગયા,
એક જે ગાંડો હતો, દરિયા-ઘરે ઊંડે ગયો.
લોક તરતા’તા સપાટી પર, મળી તાળી ઘણી,
અર્થ માટે એકલો હું અક્ષરે ઊંડે ગયો.
કોઈ આવ્યું ના કદી, હું દ્વાર પર ઊભો રહી,
રાહ જોવામાં જ આખો ઉંબરે ઊંડે ગયો.
સૌ ભ્રમર ગુંજ્યા કરે છે પાંખડી પર રાતદિન,
ને પરાગ જ ફૂલના એ અંતરે ઊંડે ગયો.
– પરાગ રતનપરા
#ગઝલ #ઊંડાણ #મોતી #શબ્દ #પ્રતીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #Depth #PearlDiver #MeaningOfWords #Waiting #ParagRatanpara