મનડું થયું મોરલો
આભે ઝૂક્યાં વાદળ કાળાં, મનડું થયું મોરલો,
સાયબા, તારી યાદે ભીંજે ઓસરીનો ઓટલો.
વાદળ જાણે ગોરીના છૂટા કેશ લહેરાતા,
વીજળી જાણે ઝાંઝર એનાં, ઝણઝણ ઝણ ઝણકાતા;
મેં તો આંજ્યો આંખે આખા ચોમાસાનો ઓરતો…
સાયબા, તારી યાદે ભીંજે…
ખેતરને શેઢે તું ઊભો, હું ઘરને ઉંબરિયે,
વચ્ચે વરસે ધોધમાર આ વ્હાલ ભરેલાં દરિયે;
ભીની માટી પૂછે મુજને: ‘ક્યાં ગયો તારો ગોરલો?’
સાયબા, તારી યાદે ભીંજે…
પરાગ કહે: જે ભીંજે નહીં, એનું ચોમાસું કોરું,
હૈયું ખોલી ઊભી રહેજે, ભીંજાજે તું પૂરું;
પહેલે ટીપે મ્હેકી ઊઠશે તારો ઝીણો ઓરડો…
સાયબા, તારી યાદે ભીંજે…
– પરાગ રતનપરા