ઊડી શકાયું હોત તો
એક કબૂતર જેટલું
ઊડી શકાયું હોત તો,
હું
રોજ સાંજે
ગામે જઈ આવત.
બાના ઓટલે બેસીને
એક ઘૂંટડો ચા પીત,
બાપુની ખાંસી સાંભળત,
ને નાની બહેનને
ચોટલો ખેંચીને
પાછો ઊડી જાત.
પાસપોર્ટ ન જોઈએ,
વિઝા ન જોઈએ,
ટિકિટ ન જોઈએ —
બસ, બે પાંખ
ને થોડો પવન.
અહીં
બારીએ રોજ
એક કબૂતર આવે છે.
હું એને
દાણા નાખું છું.
કદાચ
એ પણ
ક્યાંકથી
પોતાનું ગામ
જોવા આવતું હશે.
– પરાગ રતનપરા