ઊભી છે
પિતાના નામની તખતી ખમીને ઘાત ઊભી છે,
તિરાડોમાં ય સાચવતી પુરાણી વાત ઊભી છે.
ફળીનો હીંચકો ખાલી, છતાં ઝૂલ્યા કરે ધીમે,
હવામાં બાપુજીની એ જ જૂની ભાત ઊભી છે.
નથી બા, તોય ઘંટીનો સુણું છું રોજ પડઘો હું,
રસોડે બા તણી ઝીણી ઉજાગર રાત ઊભી છે.
હવે વેચાય છે આ ઘર, દલાલો ભાવ બોલે છે,
છતાં ઉંબર ઉપર મારી નમેલી જાત ઊભી છે.
પરાગે મન મનાવ્યું કે ભલે વેચાય ઈંટો સૌ,
ન વેચાશે સ્મરણની જે અહીં સોગાત ઊભી છે.
– પરાગ રતનપરા
#ગઝલ #બાપીકુંઘર #સ્મરણ #પિતા #માતા #પરાગરતનપરા
#GujaratiGhazal #AncestralHome #Memories #Parents #Heritage #ParagRatanpara