નામે ના બાંધો
મને નામે ના બાંધો, ભાઈ, હું તો ઊડતો રંગ,
ઘડીક કેસૂડે બેસું ને ઘડીક ઝાકળ સંગ.
જનમ્યો ત્યાં તો નામ પડ્યું, ને પાછળ લાગી નાત,
પછી ગામ ને પછી ધરમ, ને પછી સરકારી જાત;
ઓળખપત્રોના ઢગલામાં ક્યાં ખોવાયો હું નંગ?…
મને નામે ના બાંધો…
અરીસો કહે ‘તું આવો’, ને મા કહે ‘તું મારો’,
વહુ કહે ‘તમે બદલાયા’, દોસ્ત કહે ‘તું ન્યારો’;
કોની વાતે માનું મુજને? સૌના નોખા ઢંગ…
મને નામે ના બાંધો…
પરાગ કહે: હું અડધો અક્ષર, અડધી ખાલી જગ્યા,
જે વાંચે એ અર્થ ભરે, બાકી અમે ન લખ્યા;
નામ ભૂંસીને મળજો મુજને, થાશું એક અભંગ…
મને નામે ના બાંધો…
– પરાગ રતનપરા