લખવું
મેં કાગળ પર
‘વરસાદ’ લખ્યો,
ને મારી આંગળીઓ ભીની થઈ ગઈ.
‘મા’ લખ્યું,
તો અક્ષરની નીચે
ચૂલાની ગરમ રાખ
હજી ફૂંકાતી હતી.
‘ગામ’ લખ્યું,
ને શાહીમાંથી
એક ધૂળિયો રસ્તો
પાદર સુધી દોડી ગયો.
પછી હિંમત કરીને
મેં ‘તું’ લખ્યું —
આખો કાગળ
ચૂપ થઈ ગયો,
જાણે
કોઈ ફૂલ
ખીલતાં પહેલાં
શ્વાસ રોકી રાખે છે.
– પરાગ રતનપરા