ઓળખે
ઘર ગલી ભૂલી ગયો, ના કોઈ વાણી ઓળખે,
માત્ર તારા ગામનું, બસ, એક પાણી ઓળખે.
જે સગાં’તાં, એમણે મોં ફેરવી લીધું, અને
આ ગલીનો શ્વાન મારી એ કહાણી ઓળખે.
કૈંક વરસે ગામ આવ્યો, સૌ મને ભૂલી ગયા,
તોય પેલી પાળ સરવરની, ઉજાણી ઓળખે.
આંખ પર પાટા, ફરું હું રોજ ગોળાકારમાં,
દર્દ મારું ગામની બસ એક ઘાણી ઓળખે.
આ પરાગે મ્હેક વેરી રાહ પર ચાલ્યા કરી,
વાયરો ને એક ભમરો એ લહાણી ઓળખે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઓળખ #પ્રેમ #વતન #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Identity #LostInLove #Homecoming #Belonging #ParagRatanpara