ઓળખપત્ર
ફૉર્મમાં
ખાનાં હતાં:
નામ, ધર્મ, જાતિ, ભાષા, રાષ્ટ્રીયતા.
મેં કલમ ઉપાડી
ને અટકી ગયો.
નામ —
માએ પાડ્યું, પણ એ તો હાક હતી.
ધર્મ —
પાડોશીના ઘરનું ખાધું ત્યારે ભૂલી ગયો હતો.
ભાષા —
બા સાથે એક, બાળકો સાથે બીજી,
ને ઈશ્વર સાથે
મૌન.
આખરે
દરેક ખાનામાં
મેં એક જ શબ્દ લખ્યો:
‘શ્વાસ’.
કારકુને
ફૉર્મ પાછું ફેંક્યું:
‘આ ચાલશે નહીં.’
હું હસ્યો —
વર્ષોથી
મને પણ
એ જ સાંભળવા મળ્યું છે.
– પરાગ રતનપરા