ઓગળ
મારી અંદર
એક પહાડ છે —
વર્ષોથી
બરફ જેવો
જામેલો.
લોકો કહે છે,
‘કેટલો મજબૂત માણસ!
ક્યારેય
રડતો નથી.’
એમને ખબર નથી
કે પહાડ
મજબૂત નથી,
ઠંડો છે.
કોઈ દિવસ
કોઈ
મારા ખભે
હાથ મૂકીને
એટલું જ પૂછે —
‘થાકી ગયો?’
તો કદાચ
આ બરફ
પહેલી વાર
પીગળે,
ને મારી આંખમાંથી
એક નાની ગંગા
નીકળે,
જે
કોઈ ગામ સુધી ન પહોંચે,
બસ
મારા જ
સૂકા ખેતરને
લીલું કરી દે.
– પરાગ રતનપરા