← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નિવૃત્તિ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નિવૃત્તિના દિવસે
ઑફિસે મને
શાલ, શ્રીફળ ને ઘડિયાળ આપી.

ઘડિયાળ!
આખી જિંદગી
જેણે મને દોડાવ્યો,
એ હવે
ભેટ બનીને કાંડે બેઠી.

ઘરે આવીને
મેં ઘડિયાળ ઉતારી,
બારી ખોલી,
ને પહેલી વાર
સૂરજને ડૂબતો જોયો —
કોઈ મીટિંગ વગર.

લાગ્યું,
હું આજે નિવૃત્ત નથી થયો,
આજે જ
નોકરીએ લાગ્યો છું —
જીવવાની.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅરીસામાંઆગલો લેખ →નોટ પરના બાપુ