અરીસામાં
તને શોધું, મને શોધું, જડી આંખો અરીસામાં,
સમયની ધૂળમાં ઢંકાઈ હું ઝાંખો અરીસામાં.
હતાં સપનાં ગગનનાં, ને ભણી’તી દીકરી ઝાઝું,
વિદાયે સાજ સજતાં, એ ખરી પાંખો અરીસામાં.
હજારો ચિત્ર ખેંચ્યાં મેં, બધે સેલ્ફી જ સેલ્ફી છે,
છતાં ના ઓળખું ખુદને, ભલે લાખો અરીસામાં.
નકાબો સૌ ઉતારીને, ઘડી બે ભીતરે ઝાંકો,
પછી દેખાય જે સાચું, સદા રાખો અરીસામાં.
પરાગે સાંભળી જગની ઘણી જૂઠી જુબાનીઓ,
સદા સાચી જ પૂરાતી રહી સાખો અરીસામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #અરીસો #આત્મદર્શન #સત્ય #ઓળખ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirror #SelfReflection #Truth #Identity #ParagRatanpara