નિબ
દાદાજીની
ફાઉન્ટન પેન
હજી ખાનામાં પડી છે.
શાહી
વરસોથી સુકાઈ ગઈ છે,
પણ નિબ
હજી
થોડી વાંકી છે —
એમના અંગૂઠાના
દબાણની દિશામાં.
મેં એનાથી
લખવા પ્રયત્ન કર્યો.
અક્ષર
મારા નહોતા આવતા,
એમના આવતા હતા —
જરા ત્રાંસા,
જરા ઉતાવળા,
જાણે
ખેતરે જવાનું મોડું થતું હોય.
હવે
હું ફોનમાં લખું છું.
અક્ષર
સીધા, સરખા,
બધાના જેવા.
કોઈક દિવસ
મારો પૌત્ર
મારો ફોન ખોલશે,
ને એમાં
મારું કશું નહીં મળે —
ન દબાણ,
ન ઉતાવળ,
ન વાંકી નિબ.
– પરાગ રતનપરા