તુલસી જેવો
તુલસી જેવો રોપ્યો તને મેં આંગણ-ક્યારે, વ્હાલા,
સાંજ પડે ત્યાં દીવો કરું ને ફેરવું મનની માળા.
સવારે જળ સીંચું તુજને, ને બપોરે ઓઢું છાંય,
પાનેપાને લખું તારું નામ, ને કોઈ ન વાંચી જાય;
ઘરનાં સૌ પૂછે: ‘આ શેનાં રોજ નવાં અજવાળાં?’…
તુલસી જેવો રોપ્યો…
માંજર મ્હોરે, ભમરા આવે, ગામ કરે છે વાતો,
હું તો હસીને કહી દઉં: ‘આ તો તુલસીનો નાતો’;
ભીતર જાણું, તુલસી નહીં, આ તો તારા ચાળા…
તુલસી જેવો રોપ્યો…
પરાગ કહે: જે શ્વાસ બને, એ ક્યાં કદી કરમાય,
ઋતુ બદલાય, વરસ વીતે, તોય લીલું લ્હેરાય;
પ્રેમ તણા આ છોડે કદી ન આવે કાળ-ઉનાળા…
તુલસી જેવો રોપ્યો…
– પરાગ રતનપરા