ના ઊઘડે
રાતથી ઊભો હતો, પણ બારણું ના ઊઘડે,
ઊકળે છે દિલ, છતાં એ ઢાંકણું ના ઊઘડે.
માંડવે બેઠી હતી લજ્જા ભરી, નત પાંપણે,
આંખ ઢાળી, ને હજી એ ઓઢણું ના ઊઘડે.
મા નથી, તાળું લટકતું ગામના એ ઘર ઉપર,
હોય હોળી કે દિવાળી, આંગણું ના ઊઘડે.
રાતદિન પોપટ ભલે ને રટણ રામે રામનું,
તોય માલિકનું કદી એ પાંજરું ના ઊઘડે.
આ પરાગે લાખ કોશિશ શબ્દ-ચાવીથી કરી,
તોય એનું પથ્થરી એ કાળજું ના ઊઘડે.
– પરાગ રતનપરા
#ગઝલ #બંધબારણું #પ્રતીક્ષા #વિરહ #અબોલા #પરાગરતનપરા
#GujaratiGhazal #ClosedDoors #Waiting #Estrangement #LockedHeart #ParagRatanpara