નીકળીશું
ભલે હો સમંદર, તરી નીકળીશું,
ભલે ઠેસ વાગે, ફરી નીકળીશું.
અમે તો ઝરણ, ના નડે પથ્થરો પણ,
તિરાડો મહીંથી ઝરી નીકળીશું.
નથી બારણું કે નથી કોઈ બારી,
હવાની જ માફક ગરી નીકળીશું.
ભલે આગ લાગે, બળી રાખ થઈએ,
બની પંખ, ને ઊગરી નીકળીશું.
પરાગી અમે, ફૂલમાં કેદ ક્યાં લગ?
હવા સાથ ધીમે સરી નીકળીશું.
– પરાગ રતનપરા
#ગઝલ #સંકલ્પ #હિંમત #આશા #મુક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Resolve #Courage #Hope #Freedom #ParagRatanpara