← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નળિયાં પર પગલાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મધરાત.
બારી બહાર લીમડો
ઘૂંટણ વાળીને સૂતો છે.
ઘડિયાળ પણ
ટક… ટક… કરતી
ચોરપગલે ચાલે છે.

ત્યાં જ
નળિયાં પર કશુંક સરક્યું —
એક, બે, ત્રણ… ઝીણાં પગલાં.
શ્વાસ રોકીને હું સાંભળું છું:
કોઈ આવે છે,
પૂંછડી ઊંચી રાખીને,
આંખોમાં લીલા દીવા લઈને.

કાગળ કોરો છે,
કલમ ઠરી ગઈ છે,
ને અચાનક
એ કૂદે છે —
સીધું
મારા કાગળની વચ્ચોવચ.

સવારે બા કહેશે:
‘રાતે નળિયાં પર બિલાડી ફરતી'તી.’
હું કંઈ નહીં કહું.
કાગળ પર
એનાં પગલાં હજી ભીનાં છે,
ને એનું નામ
મેં ‘કવિતા’ પાડ્યું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદિવાની નદીઆગલો લેખ →દીકરીનો ઓરડો