નકશો
શિબિરની શાળામાં
શિક્ષકે કહ્યું:
‘તમારું ઘર દોરો.’
સૌ બાળકોએ
છાપરું, બારી, ઝાડ ને સૂરજ દોર્યાં.
એક છોકરીએ
માત્ર એક લીટી દોરી —
લાંબી, વાંકીચૂકી.
શિક્ષકે પૂછ્યું: ‘આ શું?’
છોકરી બોલી:
‘સરહદ.
અમારું ઘર
આ લીટીની પેલી બાજુ હતું.
હવે અમે
આ બાજુ છીએ.’
શિક્ષકે ચિત્રને
‘સારું’ લખીને પાછું આપ્યું.
પણ એ રાતે
એમને લાગ્યું,
દુનિયાના બધા નકશા
એક બાળકીએ
ખોટા પાડી દીધા છે.
– પરાગ રતનપરા