રાતે બે વાગ્યે
રાતે બે વાગ્યે
ઓશીકા પાસે પડેલો ફોન
અચાનક ઝબક્યો.
સ્ક્રીન પર
તારું જૂનું નામ —
જે મેં ક્યારેય
ડિલીટ કર્યું જ નહોતું.
હૃદય
એટલી જોરથી ધબક્યું
કે પડોશી જાગી જાય.
ખોલ્યું.
‘તમારો રિચાર્જ પ્લાન
આજે પૂરો થાય છે.’
તેં નંબર બદલી નાખ્યો હતો,
ને કંપનીએ
એ નંબર
કોઈ બીજાને આપી દીધો હતો.
હું આખી રાત જાગ્યો —
એ વિચારતો
કે આપણો પ્લાન
ક્યારે પૂરો થયો હતો,
ને મને
કોઈ મેસેજ કેમ ન આવ્યો?
– પરાગ રતનપરા