નાવડી
ઘાટ પર બાંધી હતી, મેં આજ છોડી નાવડી,
ને પવનની સંગ ચાલી, એમ દોડી નાવડી.
વાદળો ગાજ્યાં, ચમકતી વીજ, દરિયો ઘૂઘવે,
તોય મોજાંએ જરા ના ક્યાંય તોડી નાવડી.
એકલા હાથે ન પામ્યા પાર કો’ મઝધારથી,
હું અને તું, બે હલેસાં, એક જોડી નાવડી.
સૌ ગયા સામે કિનારે, હું જ બેઠો એકલો,
આવશે મારી ય ક્યારે? સાવ મોડી નાવડી!
આ ‘પરાગે’ ફૂલ મૂક્યાં, દીપ મૂક્યો સાંજના,
ને નદીમાં ચાંદની જ્યાં રાત ઓઢી નાવડી.
– પરાગ રતનપરા
#ગઝલ #નાવડી #જીવનયાત્રા #સાથ #શ્રદ્ધા #પરાગરતનપરા
#GujaratiGhazal #BoatOfLife #Companionship #Journey #Faith #ParagRatanpara