હાથ ઝાલ્યો છે
હાથ ઝાલ્યો છે તો છોડીશ ના, ભલે ઢળી જાય સાંજ,
આંખે મોતિયો આવે, તોય તું જ મારી આંખનું આંજ.
જુવાનીમાં ઝઘડ્યાં કેટલું, રિસાયાં વાતે વાતે,
તોય સવારે ચા બનાવી, મૂકી’તી તેં હાથે;
હવે ધ્રૂજતા હાથે તને હું પાઉં, એ જ મારું રાજ…
હાથ ઝાલ્યો છે…
દીકરા ગયા દેશ-વિદેશે, દીકરી ગઈ સાસરે,
ઘરમાં રહ્યાં આપણે બે, ને બે ખુરશી ઓસરીએ;
તું ભૂલે ચશ્માં, હું ભૂલું ચાવી, એ જ આપણો સાજ…
હાથ ઝાલ્યો છે…
પરાગ કહે: કોઈ રાત ન આવે, જે જુદાં કરી જાય,
ને જો આવે, તો પહેલાં મને તેડે, એવું થાય;
તારા વિના ના જીવવું, એ જ મારી છેલ્લી લાજ…
હાથ ઝાલ્યો છે…
– પરાગ રતનપરા