← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૂંગી પ્રીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું તો કાંઈ ન જાણું, વહાલા, કાંઈ ન જાણું રે,
ચૂપચાપ તને ચાહું, એ જ મારું ગાણું રે.

તું આવે ત્યાં પાંપણ ઢાળું, તું જાય ત્યાં જોઉં,
તારી પાછળ ઊડતી ધૂળમાં આખો દિ’ હું ખોઉં;
નામ તારું હોઠે ના લાવું, મનમાં લખી રાખું રે…
હું તો કાંઈ…

સખીઓ પૂછે: ‘કોની વાટે ઊભી તું ઝરૂખે?’
હસીને કહું: ‘ચકલી જોઉં,’ ને આંસુ લૂછું છૂપે;
દીવો કરું ત્યારે તારી છબી સામે રાખું રે…
હું તો કાંઈ…

પરાગ કહે: આ પ્રીતને કોઈ શબ્દ નહીં, ના સાદ,
સુગંધની જેમ ફેલાય, ને પાછળ મૂકે યાદ;
મૂંગી પ્રીત તો દીવા જેવી, બળે ને રાખે અજવાળું રે…
હું તો કાંઈ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખરામનામનું ખાતુંઆગલો લેખ →કેડી