રામનામનું ખાતું
હરિ, તારી હાટડીએ મારું ઉધાર ખાતું રે,
ભરવા બેસું તોય ના ભરાય, એવું નાતું રે.
શ્વાસ લીધા મેં ઉધારે ને આંખો લીધી ઉછીની,
ચાંદો-સૂરજ ભાડે લીધા, ધરતી લીધી ઝીણી ઝીણી;
વ્યાજ ચડ્યું છે ભવ ભવનું, તોયે તારું મુખ હરખાતું રે…
હરિ, તારી…
વાણિયો તું એવો, વહાલા, ચોપડો જ ના ખોલે,
માગણ આવે બારણે તો મીઠું મીઠું બોલે;
ઓછું આપે ત્રાજવે, તોય પલ્લું તારું નમતું રે…
હરિ, તારી…
પરાગ કહે: હિસાબ ચૂકવવા ભજન લઈ હું આવ્યો,
તેં હસીને કીધું: ‘ગાંડા, તું જ મારો નફો લાવ્યો’;
ખાતું ખોલ્યું ત્યાં તો દીઠું, પાને પાને મારું નામ જ ગાતું રે…
હરિ, તારી…
– પરાગ રતનપરા