← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેંદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હથેળીમાં મેંદી મૂકી, ને મેંદીમાં તારું નામ,
સખીઓ પૂછે: ‘ક્યાં લખ્યું?’ ને હું શરમાઉં સરેઆમ.

ઝીણી ઝીણી વેલ બનાવી, વચ્ચે ચીતર્યો મોર,
મોરની પાંખે છુપાવ્યો મેં મારા મનનો ચોર;
જેટલો ઘેરો રંગ ચડે, એટલો પ્રેમ, કહે છે ગામ…
હથેળીમાં…

રાત આખી હાથ ન ધોયા, સૂતી ઊંધા હાથ,
સપનામાં તું આવ્યો, ને મેંદી મ્હેકી સાથ;
સવારે જોયું, તો હથેળી થઈ ગઈ ગુલમ્હોરનું ધામ…
હથેળીમાં…

પરાગ કહે: મેંદી તો ઊતરી જાશે થોડે દી’,
પણ જે રંગ હૈયે ચડ્યો, એ નહીં ઊતરે કદી;
જનમ જનમ લગ લખ્યું રહેશે હથેળીમાં એ નામ…
હથેળીમાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવિદાયઆગલો લેખ →તને જોવા