તને જોવા
પરોઢેથી જ બેઠો છું, નદી ઘાટે તને જોવા,
ભમી મેળે, ભમી ખેતર, ભમી વાટે તને જોવા.
ખરીદી ના કશી કરવી, ન વેચાવું, છતાં પણ હું
ખડો છું ભીડમાં, ધક્કે, ભરી હાટે તને જોવા.
કયે રસ્તે તમે આવો, નથી એની ખબર, એથી
અડીખમ થાંભલો થઈ ગામ-ચોવાટે તને જોવા.
ન આવે ઊંઘ, ના ભાવે કશું, બેચેન આ રાતો,
જગું છું રાતભર તારા જ ઉચ્ચાટે તને જોવા.
પરાગે મ્હેકને મૂકી, અધીરો જીવ ઊભો છે,
ગુલાબી ડાળ પર બેઠો, ભલે કાંટે તને જોવા.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતીક્ષા #પ્રેમ #ઉચાટ #ઝંખના #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #Love #Restlessness #Yearning #ParagRatanpara