મીણનું નગર
મીણના નગરમાં મારું મીણનું ઘર રે,
તડકો આવે ને પીગળે ભીંતો, પીગળે મારો ડર રે.
મીણના રસ્તા, મીણના લોકો, મીણનાં સૌ સપનાં,
સ્હેજ તાપે ઓગળી જાતાં, રહે ન કોઈ પોતાનાં;
પડછાયો પણ ઢળી પડે, ના ટકે કોઈ થર રે…
મીણના નગરમાં…
મેં પણ મીણનું મહોરું પહેર્યું, હસવું પણ મીણનું,
આંસુ આવે તો ઓગળે મુખડું, બધું દેખાય ઝીણું;
અંદર કોઈ પથ્થર જેવું, ધબકે છે જીવતર રે…
મીણના નગરમાં…
પરાગ કહે: મીણ પીગળે ત્યારે દીવો પ્રગટે,
બળવાનું જે શીખે, એ જ અજવાળે ઝગઝગે;
ઓગળવું તો નક્કી, પણ થઈએ ઝળહળતું ઘર રે…
મીણના નગરમાં…
– પરાગ રતનપરા