← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મીણબત્તી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લાઇટ ગઈ
ને આખું ઘર
એક મીણબત્તીની આસપાસ
ભેગું થઈ ગયું.

દાદીએ વાર્તા માંડી,
બાપુએ ભીંત પર આંગળીઓથી
હરણ બનાવ્યું,
નાનકીએ સસલું.
મા રસોડેથી બોલી:
‘લાઇટ આવે ત્યાં સુધી ફોન ન અડતાં,
બૅટરી બચાવજો.’

અમે બચાવ્યું —
બૅટરી નહીં,
એક આખી સાંજ.

પછી લાઇટ આવી,
સૌ પોતપોતાના ઓરડે ગયા,
અને મીણબત્તી
ટેબલ પર એકલી
પોતાનું ઓગળેલું મીણ જોઈ
વિચારતી રહી:
‘આટલું ઓછું જીવી,
તોય આટલું બધું જોડી શકી.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખગોદડુંઆગલો લેખ →સાઇકલની ઘંટડી