← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાઇકલની ઘંટડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક છોકરાની સાઇકલની ઘંટડી રણકી ટન-ટન-ટન,
ને બારીના પડદા પાછળ ઝણઝણ્યું કોઈનું મન.

રોજ નિશાળે જાતાં એ તો પેડલ ધીમાં મારે,
છોકરી જાણે, તોય ન જાણે, ચોટલો ઝટકે ઉછાળે;
દફતરમાં ગુલાબ સુકાયું, ભીનું રહ્યું પણ મન —
એક છોકરાની સાઇકલની ઘંટડી રણકી ટન-ટન-ટન.

એક દિવસ ચેન ઊતરી ગઈ, ને છોકરો ઊભો મૂંઝાતો,
છોકરીએ ચેન ચડાવી દીધી, હાથ થયા કાળા, ને ગાલ રાતો;
ગ્રીસના ડાઘ તો ધોવાઈ ગ્યા, પણ રહી ગઈ એ ક્ષણ —
એક છોકરાની સાઇકલની ઘંટડી રણકી ટન-ટન-ટન.

પરાગ કહે: આજ એ છોકરો કાર ચલાવે પરદેશે,
હોર્ન વગાડે, પણ ક્યાં રણકે ઘંટડી એ જ સંદેશે?
ટ્રાફિકની વચ્ચે પણ કાને વાગે ટન-ટન-ટન —
એક છોકરાની સાઇકલની ઘંટડી રણકી ટન-ટન-ટન.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમીણબત્તીઆગલો લેખ →ડ્રાફ્ટમાં પડેલો સંદેશ