મૌનનો શબ્દકોશ
એ કદી કહેતી નથી
કે એ નારાજ છે.
ચામાં ખાંડ
એક ચમચી ઓછી હોય છે.
‘ઠીક છે’ કહે,
તો સમજવું — કંઈ જ ઠીક નથી.
‘તમને ગમે તેમ’ કહે,
તો સમજવું — મને ગમતું નથી.
રાતે વહેલી સૂઈ જાય,
તો સમજવું — ઊંઘ નથી આવવાની.
ત્રીસ વરસ લાગ્યાં મને
આ શબ્દકોશ શીખતાં.
હવે જ્યારે
એ ચૂપચાપ
મારી થાળીમાં
એક વધારાની રોટલી મૂકે છે,
ત્યારે મને સમજાય છે —
એ કહી રહી છે:
‘હજી ય તમને ચાહું છું,
ભલે તમે કેટલા ય ભુલકણા હો.’
– પરાગ રતનપરા