મૌનમાં
હોઠ પર તાળું હતું, ને આંખ બોલી મૌનમાં,
ને હૃદયની ગાંઠ આખી સ્હેજ ખોલી મૌનમાં.
સેંકડો પ્રશ્નો હતા, ને એક ઉત્તર પણ નહીં,
આંસુએ પીડા બધીયે એમ ઘોળી મૌનમાં.
ભીડમાં ઘોંઘાટ એવો, ના સુણાયું કોઈનું,
એક ચકલી ડાળ પર ત્યાં આમ ડોલી મૌનમાં.
સાંજ ટાણે મંદિરે ઘંટારવો વચ્ચે, સખી,
ઈશ પાસે મેં ધરી'તી એક ઝોળી મૌનમાં.
આ પરાગે શબ્દથી ગઝલો લખી સો સો ભલે,
પણ ગઝલ સાચી હતી એ આંખ ભોળી મૌનમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #આંખો #પ્રેમ #અવ્યક્ત #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #SpeakingEyes #UnspokenLove #Stillness #ParagRatanpara