← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વિદાય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લ્યો ત્યારે, હવે રજા આપો, ભાઈબંધો, રામ રામ,
ખુરશી ખાલી કરીને ચાલ્યા, પૂરું થયું આ કામ.

પાંત્રીસ વરસ આ ટેબલ પર મેં ફાઇલો ઊંચકી ભારે,
ચા ઠંડી થઈ ગઈ કેટલી, ને સપનાં ઠર્યાં હારે;
આજે સૌ કહે: ‘સાહેબ, તમે તો હતા અમારું ગામ’…
લ્યો ત્યારે, હવે રજા આપો…

ઘડિયાળ ભેટમાં આપી સૌએ, હાર ગળામાં નાખ્યો,
જે સમયને વેચી દીધો'તો, એ સમય હાથે રાખ્યો;
હવે ન સાઇરન, ન હાજરી, ન મસ્ટર, ન કોઈ દામ…
લ્યો ત્યારે, હવે રજા આપો…

પરાગ કહે: આ વિદાય નથી, આ તો ઘર ભણી પગલાં,
પૌત્રો સાથે રમશું હવે, ભરશું નવાં ડગલાં;
જિંદગી હવે શરૂ થઈ છે, ઑફિસ તો હતું વિરામ…
લ્યો ત્યારે, હવે રજા આપો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમૌનમાંઆગલો લેખ →માછલીઘર