← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારી છ વરસની દીકરીએ પૂછ્યું:
‘પપ્પા, મન ક્યાં રહે?’

મેં કહ્યું: ‘અહીં, છાતીમાં.’
એણે કહ્યું: ‘ના, મારું મન તો
આઇસક્રીમની લારીએ રહે છે.’

મેં હસીને પૂછ્યું:
‘ને મારું મન?’

એ થોડું વિચારીને બોલી:
‘તમારું મન તો
તમારા ફોનમાં રહે છે,
એટલે તમે
મારી સામે બેઠા હો
તોય દૂર લાગો છો.’

મેં ફોન
ઊંધો મૂકી દીધો.

એ દિવસે
મને પહેલી વાર સમજાયું —
મનને સમજાવવું પડતું નથી,
બસ,
એને ક્યાં રાખવું
એ નક્કી કરવું પડે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખએકાંતમાંઆગલો લેખ →પ્રાર્થના