← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માઉસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભગવાને
મને કમ્પ્યૂટરનો માઉસ બનાવીને
દુનિયાના ટેબલ પર મૂક્યો.

હું દોડું છું —
ડાબે, જમણે, ઉપર, નીચે.
ક્લિક કરું છું,
ડબલ ક્લિક કરું છું,
ક્યારેક ખોટી ફાઇલ ખોલું છું,
ક્યારેક આખું જીવન ‘સેવ’ કરવાનું ભૂલી જાઉં છું.

પત્ની કહે છે:
‘તમે તો સાવ હેંગ થઈ ગયા છો.’
બાળકો કહે છે:
‘પપ્પા, તમારું વર્ઝન જૂનું છે.’

હું ઉપર જોઉં છું.
પ્રોગ્રામર હસે છે.

એક દિવસ
એ મારી બૅટરી કાઢી લેશે,
ને ટેબલ પર
મારી જગ્યાએ
નવો માઉસ મૂકી દેશે.

ત્યાં સુધી
હું દોડું છું —
એના હાથમાં રહીને
મને લાગે છે
કે હું જાતે દોડું છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજીવી ગયોઆગલો લેખ →ત્રીસમી જાન્યુઆરી