માતૃભાષા
દાદીમાએ
અમેરિકા રહેતા પૌત્રને
ગુજરાતીમાં પત્ર લખ્યો.
‘બેટા, જમજે.
ઠંડીમાં માથું ઢાંકજે.
ને ક્યારેક અમને યાદ કરજે.’
પૌત્રે કાગળ ફેરવી ફેરવીને જોયો —
અક્ષરો
એને ચકલીનાં પગલાં જેવા લાગ્યા.
ફોનના કૅમેરાથી
‘ટ્રાન્સલેટ’ કર્યું.
સ્ક્રીન પર લખાયું:
‘Son, eat. Cover your head in the cold.’
બસ.
‘ક્યારેક અમને યાદ કરજે’ —
એ લીટીનો
કોઈ અનુવાદ ન આવ્યો.
ઍપને પણ
ખબર નહોતી
કે અમુક વાક્યો
ભાષામાં નહીં,
ભીનાશમાં લખાય છે.
– પરાગ રતનપરા