← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માટીનું ઘર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં તો માટી ખૂંદીને ઘર કર્યાં,
મેં તો નળિયે બાંધ્યા મોર;
મારા ઉંબરે બેઠો ચાંદલો,
મારી બારીએ ઊગી ભોર.

મેં તો છાણ લીંપીને ઓસરી કરી, લીંપણે ભાત્યું ભરી,
એક ગોખલે દીવો મેલ્યો, બીજે ચણની ઠીકરી;
મારા આંગણે તુલસી ક્યારડો, એને વીંટ્યા રાતા દોર…
મેં તો માટી ખૂંદીને…

મેં તો ખીંટીએ ટાંગ્યાં સપનાં, ને પટારે મેલ્યો પ્રેમ,
મેં તો ખાટલે ઢાળી વાતો, ને ચૂલે શેક્યો નેમ;
મારા છાપરે વરસે વાદળાં, થાય ટીપે ટીપે શોર…
મેં તો માટી ખૂંદીને…

પરાગ કહે: આ સિમેન્ટ ઘરમાં ભીંતો ઊંચી ભારે,
પણ માટીનું ઘર તો મારું શ્વાસ લેતું સવારે;
એની ભીંતે કાન દઉં તો સંભળાય બાનો સોર…
મેં તો માટી ખૂંદીને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમારું ગામડુંઆગલો લેખ →સંગાથમાં