મારું ગામડું
ગામ મારું ગોંદરે ઊભું, વાટ જુએ રે મારી,
વડલે બેઠો વાયરો પૂછે: ‘ક્યારે આવીશ ધારી?’
ધૂળિયે મારગ ગાડાં ચાલે, ઘૂઘરા બોલે ઝીણા,
તળાવ પાળે ધૂબકા મારી છોકરાં નીકળે ભીનાં;
મંદિરે ઝાલર વાગે, ને સંધ્યા ઊતરે સારી…
ગામ મારું…
ચોરે બેસી દાદા કહેતા વાતો રાજા-રાણીની,
પાદરે આવી પીરસતી મા રોટલી બાજરીની;
વરસોથી એ સ્વાદ શોધું, પિઝા-બર્ગર હારી…
ગામ મારું…
પરાગ કહે: પરદેશે મેં ભેગા કર્યા ડૉલર,
પણ ગામની ધૂળ જેવો ક્યાંય મળ્યો ના આદર;
મરતાં પહેલાં એક વાર તો ચૂમવી છે એ ક્યારી…
ગામ મારું…
– પરાગ રતનપરા