માટીનું ગીત
માટીનો માણસ, માટીનું ઘર, ને માટીનો આ દેહ રે,
માટીમાં ભળવાનું અંતે, તોય ન છૂટે નેહ રે.
કુંભારે ચાકડે ચડાવ્યો, ઘડ્યો મને આકાર,
ટપલી મારી, તડકે મૂક્યો, ભઠ્ઠીમાં દીધો ભાર;
રણક્યો ત્યારે કહ્યું: ‘હવે તું વાસણ થઈ ગયો, એ રે’…
માટીનો માણસ…
કોઈએ ઘડો કીધો મારો, કોઈએ કીધો દીવો,
કોઈએ ગલ્લો, કોઈએ ચલમ, જેવો જેનો જીવો;
તૂટ્યો ત્યારે ઠીકરું થઈ ગયો ઉકરડાની ખેહ રે…
માટીનો માણસ…
પરાગ કહે: પહેલો વરસાદ પડે ને માટી મ્હેકે,
તૂટેલા માણસમાંથી પણ સુગંધ ઊઠે છેકે;
ભળીને પણ જે મ્હેકી ઊઠે, એ જ સાચો સ્નેહ રે…
માટીનો માણસ…
– પરાગ રતનપરા