← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માટલું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભરબપોરે
હાઇવેની ધારે
એક ઝૂંપડીની બહાર
લાલ કપડું વીંટેલું
એક માટલું મૂકેલું હોય છે.

ઉપર લોટો.
બાજુમાં કોઈ પાટિયું નહીં,
કોઈ નામ નહીં,
‘પરબ’ પણ નહીં લખેલું.

ટ્રક ડ્રાઇવરો ઊભા રહે,
પીએ, મોં લૂછે, ચાલ્યા જાય.

એક દિવસ મેં પૂછ્યું:
‘કોણ ભરે છે આ?’

ઝૂંપડીમાંથી એક ડોશી બહાર આવી,
બોલી:
‘મારો દીકરો ટ્રક ચલાવતો'તો.
એક બપોરે
કોઈ પાણી પાનારું ન મળ્યું.’

ને પછી
એ માટલું લઈને
ફરી ભરવા ચાલી ગઈ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકોયલઆગલો લેખ →વરસ તું