← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માટલું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉનાળાની બપોરે
ખૂણામાં બેઠેલું માટલું
આખું ભીનું હોય છે —
જાણે પરસેવે રેબઝેબ.

બા કહેતી:
‘એ પોતે પરસેવે ન્હાય,
ત્યારે તો તારું પાણી ઠંડું રહે.’

ત્યારે સમજાયું નહોતું.

આજે
બાપુજીનું ખમીસ જોઉં છું —
પીઠ પર મીઠાની ધોળી રેખાઓ,
ને મારા ઓરડામાં
એસી ચાલે છે.

કેટલાક માણસો
માટલાં જેવા હોય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઓછું પડેઆગલો લેખ →પરિચય