મારો મત
વર્ષોથી
મારા અભિપ્રાય
દાળમાં મીઠા જેટલા જ પુછાયા છે:
‘ઓછું છે?’
‘વધારે છે?’
મારી પાસે પણ
દેશ વિશે,
દીકરીના ભવિષ્ય વિશે,
ઘરના હપ્તા વિશે,
ઈશ્વર વિશે
એક મત છે.
આજે
થાળી પીરસતાં
મેં કહ્યું:
‘મારે પણ કંઈક કહેવું છે.’
ઘર આખું
એક ક્ષણ
ચૂપ થઈ ગયું —
ને મને લાગ્યું,
એ ચૂપકીમાં જ
પહેલી વાર
મારો અવાજ સંભળાયો.
– પરાગ રતનપરા