← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારો ગોવાળિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારો ગોવાળિયો રે ગાયું ચારવા જાય,
વાંસળીના સૂરે મારું મન વગડે ખેંચાય.

ભાતું બાંધ્યું રોટલો, ડુંગળી ને છાશ,
બપોરે હું નીકળી, વાટે ઊગ્યું ઘાસ;
લીમડાને છાંયે બેઠો, ગાયું ચરે આસપાસ…
મારો ગોવાળિયો…

રોટલો ભાંગી અડધો દીધો, અડધો રાખ્યો હાથ,
બોલ્યો: ‘ગોરી, જીવતર આખું આમ જ રહેજે સાથ;’
વાંસળી મૂકી બાજુ, ને મેં ઝાલ્યો એનો હાથ…
મારો ગોવાળિયો…

પરાગ કહે: આ ગોવાળિયો નથી કેવળ ગાયનો રખેવાળ,
એ તો ગોકુળનો કાન, ને ગોરી રાધા, વગડો વ્રજની ચાલ;
પ્રેમ જ્યાં પ્રગટે સાચો, ત્યાં વ્રજ આપોઆપ વસાય…
મારો ગોવાળિયો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસ્ટેટસઆગલો લેખ →બે કપ ચા