બે કપ ચા
દીકરી
સાસરે ગઈ એ દિવસે
ઘરના અરીસાએ
ચહેરો જોવાનું બંધ કરી દીધું.
ઓરડાની ભીંતો
એની ખીંટીઓ ગણતી રહી,
જ્યાં ક્યારેક દુપટ્ટા ઝૂલતા.
બાપે કશું કહ્યું નહીં,
બસ રોજ સાંજે
બે કપ ચા મુકાવે છે.
એક પોતે પીએ છે,
બીજો
ઠંડો થવા દે છે —
જાણે કોઈ હજી
‘પપ્પા, થોડી ખાંડ ઓછી’
કહેવાનું હોય.
– પરાગ રતનપરા