માર્જિન
પહેલા ધોરણમાં
શિક્ષકે નોટના દરેક પાને
ડાબી બાજુ
લાલ લીટી દોરતાં શીખવ્યું હતું —
માર્જિન.
‘એની બહાર નહીં લખવાનું,’
એમણે કહેલું.
પછી આખી જિંદગી
હું એ જ લીટીની અંદર લખતો રહ્યો —
નોકરી, લગ્ન, લોન,
દીકરાની ફી, બાપુની દવા.
આજે
જૂની નોટ ઉઘાડી,
તો માર્જિનની બહાર
નાના અક્ષરે
મેં ક્યારેક લખેલું વાંચ્યું:
‘મારે પંખી થવું છે.’
આખી નોટમાં
એ એક જ લીટી
સાચી હતી.
– પરાગ રતનપરા