મારી કવિતા
દુનિયામાં
રોજ
હજારો કવિતાઓ લખાય છે.
કેટલીક
પુસ્તકમાં છપાય છે,
કેટલીક
મંચ પર તાળીઓ પામે છે,
કેટલીક
પુરસ્કારની ફાઈલમાં
ધૂળ ખાય છે.
મારી કવિતા
એમાંની કોઈ નથી.
એ તો
ગામના પાદરે
લીમડા નીચે બેઠેલી
એક ડોશીના
બોખા મોંનું
હાસ્ય બનવા માગે છે.
ને જો
એ ન બની શકે,
તો
એના ખાટલા પાસે પડેલો
પાણીનો કળશિયો
બનીને પણ
રાજી છે.
– પરાગ રતનપરા