← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારે ગામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારે ગામ
હજી પણ બસ-સ્ટૅન્ડ પર
એક બાંકડો છે,
જેના પર બેસીને
ઘરડા લોકો
આવતી-જતી બસ નહીં,
આવતાં-જતાં વરસ જુએ છે.

મારે ગામ
કોઈ મને નામથી નથી ઓળખતું —
‘કોનો દીકરો?’ પૂછે,
ને હું બાપુનું નામ દઉં
એટલે આખું ગામ
મને ઓળખી જાય.

શહેરમાં
મારી પાસે નામ છે,
ફ્લૅટ નંબર છે,
પિન કોડ છે,
પાસવર્ડ છે —
પણ કોઈ પૂછતું નથી:
‘કોનો દીકરો?’

ઘણી વાર થાય છે,
ગામ જઈને
પેલા બાંકડે બેસું
ને રાહ જોઉં —
કોઈ મને ફરી
બાપુના નામથી બોલાવે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછૂટા શેર ૨૪૪૬–૨૪૬૫આગલો લેખ →રાહમાં