← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માનો કાગળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાંચજે ધીરે ધીરે, દીકરા, માનો કાગળ આવ્યો,
અક્ષર વાંકાચૂકા, પણ એ હૈયું આખું લાવ્યો.

પહેલી લીટીમાં પૂછ્યું: ‘જમ્યો? ખાજે તું ભરપેટ,’
બીજી લીટીએ તાકીદ: ‘ના જાગીશ રાતે લેટ’;
ત્રીજી લીટી ભીની ભીની, આંસુએ ભૂંસાવ્યો…
વાંચજે ધીરે ધીરે…

‘ગાય વિયાણી, વાછરડી છે ધોળી ધોળી રૂડી,
તારી બેની સાસરે ગઈ, ને ખખડે સૂની ચૂડી;
બાપુ તો કંઈ ના બોલે, પણ ફોટો રોજ જોવાયો…’
વાંચજે ધીરે ધીરે…

પરાગ કહે: આ કાગળ વાંચી હોસ્ટેલમાં હું રોયો,
મોંઘા મોબાઇલમાં ય મેં તો માનો અક્ષર જોયો;
છેલ્લે લખ્યું’તું: ‘તારી બા’, ને આખો ભાર ઉઠાવ્યો…
વાંચજે ધીરે ધીરે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચોપાટઆગલો લેખ →ભરોસો