માની સાડી
મા ગઈ.
કબાટ ખોલ્યો,
સાડીઓ ગડી વાળેલી,
વચ્ચે
કપૂરની બે ગોળી.
એક સાડી કાઢી,
મોઢે દાબી —
એમાં મા હતી:
ઘીની, તુલસીની,
ને થોડી
મારા બાળપણના તાવની સુગંધ.
ભાભીએ કહ્યું,
‘આ બધી દાનમાં આપી દઈએ.’
મેં હા પાડી.
એક સાડી
ચૂપચાપ
મારી બૅગમાં મૂકી દીધી.
હવે
એ સાડી પણ
ધીરે ધીરે
મારી સુગંધ પકડી રહી છે.
– પરાગ રતનપરા