માને
મા,
તું હતી ત્યારે
મને ક્યારેય તરસ લાગી નહોતી.
પાણીનો ગ્લાસ
માગું એ પહેલાં
હાથમાં આવી જતો.
આજે
ફ્રીજ ભરેલું છે,
મિનરલ વૉટરની બૉટલો
હારબંધ ગોઠવી છે.
ને છતાં
રાતે બે વાગ્યે
ગળું સુકાય છે,
ને હું
અંધારામાં
રસોડા સુધી જાઉં છું,
ને ગ્લાસ હાથમાં લઈને
ઊભો રહી જાઉં છું —
કારણ કે
જે તરસ લાગી છે,
એ પાણીની નથી, મા.
– પરાગ રતનપરા