← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માળા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાત-દિવસ
માળા ફરે છે.
મણકો… મણકો… મણકો…

મોઢું રામ રામ બોલે,
ને મન
દુકાનના ગલ્લે બેઠું
ગણે છે —
આજે કેટલું આવ્યું,
કોણ ઉધાર લઈ ગયું,
કોને ‘કાલે આવજે’ કહ્યું.

એકસો આઠ મણકા પૂરા થયા.
માળા ખીંટીએ ટાંગી.

ત્યાં
બારણે
એક ભૂખ્યો છોકરો
ઊભો હતો.

મેં એને
બે રોટલી આપી.

ત્યારે
પહેલી વાર
માળા વગર
મણકો ફર્યો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતરસઆગલો લેખ →ખરવું