માડીનો ગરબો
ગરબે ઘૂમે ગામ, માડી, તારા ગરબે ઘૂમે ગામ,
દીવડે દીવડે ઝગમગ થાતું, તારું પાવન નામ.
ચાચર ચોકે ઢોલ ઢબૂક્યો, શરણાઈ ગાજી રાત,
સાહેલીઓ તાળી દેતી, લાલ ચૂંદડી ભાત;
ઘૂમતાં ઘૂમતાં થાક ન લાગે, એવું તારું ધામ…
ગરબે ઘૂમે ગામ…
માથે ગરબો, હૈયે હરખ, ને આંખે હરખનાં આંસુ,
માડી, તારી કૃપા વરસે, જેમ વરસે ચોમાસું;
દુખિયાનાં તું દુઃખ હરે, ને નમે ધરા ને ભાણ…
ગરબે ઘૂમે ગામ…
પરાગ કહે: આ ગરબો નથી, આ તો માનું હૈયું,
છિદ્રે છિદ્રે દીવો ઝગે, એવું જીવતર જીવ્યું;
ભીતર દીવો રાખી ઘૂમે, એ જ સાચું ધ્યાન…
ગરબે ઘૂમે ગામ…
– પરાગ રતનપરા