તારામાં
નદી દરિયે ભળે જેવી, ભળું, હે શ્યામ, તારામાં,
નથી ‘હું’, ના કશું ‘તું’ પણ, હવે આરામ તારામાં.
ઘણા તીરથ, ઘણી જાત્રા, ઘણી માળા, ઘણા મણકા,
પછી જાણ્યું, હતું મારું ખરું તો ધામ તારામાં.
નથી સાકી, નથી પ્યાલો, સુરાહી ના, શરાબે ના,
છતાં ચકચૂર છું, પીધો અજબ મેં જામ તારામાં.
હજારો નામ લીધાં મેં, હજારો મંત્ર જપિયા, પણ
હવે બાકી કશું ના, ને ગયું મુજ નામ તારામાં.
પરાગે, ફૂલ છોડીને હવામાં ઓગળી ચાલ્યું,
રહી જે ગંધ પાછળ, એ વસી, હે રામ, તારામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સૂફી #ભક્તિ #સમર્પણ #શ્યામ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sufi #Devotion #Surrender #DivineLove #ParagRatanpara